ભાવનગરનો ચેતન સાકરિયા IPLમાં સૌથી મોંઘો ગુજરાતી ખેલાડી બન્યો : 1.2 કરોડમાં વેચાયો, રાજસ્થાન રોયલ્સ વતી રમશે

460

ફાસ્ટ બોલર ચેતન સાકરીયા રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે બોલી લાગી હતી. સાકરીયાની બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા છે. સૌથી પહેલા RCBએ 95 લાખની બોલી લગાવી. બાદમાં રાજસ્થાન ટીમે ૧.૨ કરોડની ચેતન સાકરિયા પર બોલી લગાવી હતી. આમ,રાજસ્થાન ટીમે ચેતન સાકરીયાને 1.2 કરોડમાં ખરીદ્યો છે. સાકરિયાએ 16 ટી 20 મેચોમાં 28 વિકેટ ઝડપી છે.

વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારનો ચેતન બાળપણથી ક્રિકેટનો જબરો શોખ ધરાવતો હતો, પરંતુ એક તબક્કે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા, પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું. બસ, અહીંથી ચેતને પાછું વળીને જોયું નથી અને આ વખતે IPL ઓક્શનમાં હોટ પ્રોપર્ટી બન્યો. 22 વર્ષીય ફાસ્ટ બોલરે આ વખતે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 4.90ના ઈકોનોમી રેટથી રન આપતાં 12 વિકેટ લીધી.

પોતાની જર્ની વિશે વાત કરતાં ચેતને કહ્યું હતું, મેં 13-14 વર્ષની ઉંમરે રમવાનું શરૂ કર્યું. મારા પપ્પા (કાન્જીભાઈ) ટેમ્પો ચલાવતા હતા અને મમ્મી (વર્ષાબેન) હાઉસ વાઈફ છે. હું નાનપણથી ભણવામાં સારો હતો અને ફેમિલી ઇચ્છતું હતું કે હું ભણું અને આગળ જઈને અધિકારી બનું. હું 12 સાયન્સ પાસ છું પણ એ પછી આગળ ભણી શક્યો નથી.

જુનેદ ખાનની એક્શન કોપી કરીને ફાસ્ટ બોલર બન્યો

યુવરાજ સિંહ મારો ફેવરિટ પ્લેયર છે અને હું તેમને આઈડલાઈઝ કરું છું. જોકે હું ફાસ્ટ બોલર બન્યો એ પાછળની સ્ટોરી અલગ છે. 2010માં પાકિસ્તાનની ટીમ ભારત આવી હતી ત્યારે જુનેદ ખાને બહુ સારી બોલિંગ કરી હતી. તેણે વિરાટ કોહલી સહિત આપણા ઘણા સ્ટાર્સને બોલ્ડ કર્યા હતા. ત્યારે હું એ બોલિંગથી ઘણો પ્રભાવિત થયો અને તેની એક્શનને કોપી કરતાં ફાસ્ટ બોલર બની ગયો. તેની એક્શન કોપી કરવા ગયો અને એમાં મારી પોતાની એક એક્શન બની ગઈ.

ઘરે કીધા વગર રમવા જતો, ક્રિકેટ રમવા માર પણ બહુ ખાધો, 12માં ડ્રોપ આઉટ પણ કર્યું હું સ્કૂલમાં હતો ત્યારે ઘરે કીધા વગર ક્રિકેટ રમવા જતો રહેતો હતો. મને એ સમયે બહુ ખિજાતા હતા અને મેં મારેય ઘણો ખાધો છે. મેં ડિસ્ટ્રિકટ મેચીસ માટે બોર્ડની એક્ઝામ પણ સ્કિપ કરી હતી અને ડ્રોપ આઉટ કર્યું હતું. જોકે એ સમયે મેચો એટલી સારી નહોતી રહી કે સ્ટેટ ટીમમાં સિલેક્ટ થાઉં. ભવસિંહજી ક્રિકેટ ક્લબે મારી ફી માફ કરી હતી, એ હું ક્યારેય ભૂલીશ નહીં.

MRF એકેડમીમાં મેક્ગ્રા હેઠળ ટ્રેનિંગ કરી

ચેતને કહ્યું, “ચેન્નઈ ખાતે આવેલી MRF એકેડમીમાં મેં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર ગ્લેન મેક્ગ્રા હેઠળ ટ્રેનિંગ કરી હતી. તેઓ મારી પેસ અને સ્વિંગથી પ્રભાવિત થયા હતા અને મને શિખવાડ્યું હતું કે હું કઈ રીતે સતત 130ની ઝડપ જાળવી બોલ સ્વિંગ કરવો.” ચેતન સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં મેન ઓફ ધ સિરીઝ પણ બન્યો હતો. તેણે લીગની 5 મેચમાં 12 વિકેટ લીધી હતી. એક ગેમમાં 7 રન ડિફેન્ડ કરતાં તેણે હેટ્રિક લઈને પોતાની ટીમને મેચ જિતાડી હતી.

IPL 2020માં RCB સાથે નેટ બોલર તરીકે રહ્યો

ચેતન કહ્યું હતું કે, RCBએ મને નેટ બોલર તરીકે ટીમ સાથે જોડાવવાની ઓફર કરી હતી. અમે નેટ બોલર્સને જોડે લઈ જશું અને સીઝન દરમિયાન કોઈને ઇજા થાય તો રિપ્લેસ કરીશું. મેં હા પાડી અને મારો RCB સાથે નેટ બોલર તરીકે કોન્ટ્રેકટ થયો. 2.5 મહિના દુબઈમાં રહ્યો, ત્યાં ઘણુંબધું શીખવા મળ્યું. ડેલ સ્ટેન સાથે સારો સમય પસાર કર્યો. ફિલ્ડ ટેક્ટિક્સ શીખ્યો. સાઈમન કેટિચે પણ મને મદદ કરી. જ્યારે તમે વિરાટ કોહલી કે એબી ડિવિલિયર્સને બોલિંગ કરો તો અંદરથી કોન્ફિડન્સ આવે છે કે તું આ સ્ટેજ પર બિલોન્ગ કરે છે. સૈયદ મુસ્તાક અલીમાં સફળતા મળી એનું કારણ જ એ છે કે મેં RCB સાથે સમય પસાર કર્યો અને એ દરમિયાન ઘણુંબધું શીખ્યો.

IPLમાં ગુજરાતીઓનો દબદબો:

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14મી સીઝન માટે મિની ઓક્શન થયું. જેમાં ગુજરાતના સ્ટાર્સ પ્લેયર્સની પણ પસંદગી થઈ છે. આ સ્ટાર ખેલાડીમાં ચેતેશ્વર પૂજારા, લુકમેન મેરીવાલા, રીપલ પટેલ અને ચેતન સાકરિયાનો સમાવેશ થાય છે. ચેન્નાઈ સુપરકિંગ્સે ચેતેશ્વર પૂજારાને તેની બેઝ પ્રાઈઝ 50 લાખમાં જ ખરીદ્યો છે. જ્યારે લુકમેન મેરીવાલા અને રીપલ પટેલને તેની બેઝ પ્રાઈઝ 20 લાખમાં જ દિલ્હી કેપિટલ્સે ખરીદ્યાં છે. તો સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલ્સની ટીમે 1.2 કરોડમાં ખરીદ્યો છે. તો મૂળ ભાવનગરના શેલ્ડન જેક્સનને કોલકાતા નાઈટ રાઈડર્સે 20 લાખમાં ખરીદ્યો છે.

source:DB