જામનગરમાં આ રિક્ષાવાળા ભાઈ ૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓ પાસેથી નથી લેતા રીક્ષા ભાડું..

716

જામનગરમાં શિક્ષણ, સ્વાથ્ય તેમજ વિવિધ ક્ષેત્રની સેવા સંખ્યાબંધ સંસ્થાઓ તેમજ વ્યકિતગત ધોરણે ચાલે છે. જીવતા તો ઠીક મૃતદેહોની સેવા કરનારી સંસ્થા પણ નગરમાં મોજુદ છે.

આ સેવા ક્ષેત્રમાં એક નાના માણસ દ્વારા મોટું કદમ ભરીને કર્મયોગ સાથે સેવાનો યોગ સાધવામાં આવ્યો છે.

જામનગરમાં નવાગામ ઘેડમાં રહેતાં રાજભા જાડેજા નામના યુવકે સીએનજી રીક્ષા લીધા બાદ જુદા-જુદા રુટો પર ધંધો કરતાં કરતાં તેને ખ્યાલ આવ્યો કે,

કેટલાક વૃધ્ધો પાસે પૈસાની ભારે કમી હોય છે, અને કચવાતા મને રીક્ષાભાડું આપે છે, અથવા જ્યાં જવું હોય ત્યાંથી થોડા આગળ વહેલા ઉતરીને પગપાળા જાય છે.

તેથી આ યુવકે ચાર માસ પહેલા સંકલ્પ કરી નાંખ્યો કે, હવેથી ઉંમર વર્ષ ૬૦થી ઉપરના વ્યક્તિઓ પાસેથી રીક્ષા ભાડું ન લેવું અને માત્ર આશીર્વાદ જ લેવા. તેઓની આ સેવાને જામનગરના સોશ્યલ મીડીયાના ગૃપોમાં ભારે. પ્રસિધ્ધિ અને શાબાશી મળી છે..

આવા સેવાભાવી રીક્ષાચાલકે જણાવ્યું હતું કે, વડીલોના આશીર્વાદ મેળવીને આત્મ સંતોષ થાય છે. તેથી આ પ્રવૃતિ ચાલુ રાખી છે.

આગામી દિવસોમાં જામનગર શહેરથી ૬-૭ કી.મી.દુર ખંભાળીયા હાઈ-વે પર મોરારી બાપુની કથા યોજાઈ છે. જેમાં તેઓ દ્વારા વડીલોને નિ:શુલ્ક રીક્ષા સેવા આપવાનો નિર્ધાર કર્યો હોવાનું જણાવ્યું છે.

આમ એક સામાન્ય વ્યક્તિ મોઘવારીની ફરિયાદ કર્યા વગર ગાંઠના ગોપીચંદન કરીને સેવા કરે તે મોટી વાત ગણાય.

રીક્ષાચાલક રાજભા દ્વારા પોતાની સીએનજી રીક્ષામાં પાછળના ભાગે સાંઇઠ વર્ષથી ઉપરના વડીલો માટે ફ્રિ સેવા એવુ બોર્ડ પણ લખાવ્યુ છે..