કોરોનાની રસી લેવા આપવું પડશે ID પ્રુફ

285

કોરોનાની રસી લેવા આપવું પડશે ID પ્રુફ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સોમવારે કોરોનાના રસીકરણની વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે. આ રસીકરણ પહેલા તબક્કામાં ઈમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલા લોકોને આવરી લેવાશે. હાલ પરિક્ષણમાં રહેલી જે પણ રસીને ઈમરજન્સી યુઝ માટે મંજૂરી મળે તેના ડોઝ આ લોકોને આપવામાં આવશે. પહેલા તબક્કામાં સરકાર 30 કરોડ લોકોને રસી આપવાનું આયોજન કરી રહી છે, જેમાં હેલ્થકેર તેમજ ફ્રંટલાઈન વર્કર્સ, 50 વર્ષથી વધુ વય ધરાવતા લોકો અને 50થી ઓછી વય હોય પરંતુ કોમોર્બિડિટી હોય તેવા લોકોનો સમાવેશ કરાશે.

સરકારે આ રસીકરણ કાર્યક્રમની આજે જાહેર કરેલી ગાઈડલાઈનના કેટલાક મુદ્દા નીચે અનુસાર છે.
– દરેક રેશનમાં એક દિવસમાં 100થી 200 લોકોને રસી આપવામાં આવશે.
– રસી આપ્યાના અડધો કલાક સુધી તેની કોઈ આડઅસર થાય છે કે કેમ તેનું મોનિટરિંગ કરાશે


– વેક્સિન આપનારી ટીમમાં પાંચ લોકો સામેલ હશે
– જો રસીકરણ કેન્દ્ર પર લોજિસ્ટિકની પૂરતી વ્યવસ્થા અને વેઈટિંગ રુમ, ઓબ્ઝર્વેશન રુમ સાથે ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થા હશે તો ત્યાં વધુ એક વેક્સિનેટર ઓફિસરની નિમણૂંક કરીને 200 લોકોને રસી અપાશે.
– કોવિડ વેક્સિન ઈન્ટેલિજન્સ નેટવર્ક (Co-WIN)નામના ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને જે લોકોને રસી આપવાની છે તેમને ટ્રેક કરાશે, અને રસીનું રિયલ ટાઈમ ટ્રેકિંગ પણ કરાશે.


– માન્યતા પ્રાપ્ત 12 આઈડીમાંથી કોઈપણ એક આઈડી પ્રુફ દ્વારા Co-WIN વેબસાઈટ પર સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકાશે. આઈડી પ્રુફમાં ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ, પેન્શન ડોક્યુમેન્ટનો પણ સમાવેશ થાય છે.
– રસીકરણ કેન્દ્ર પર જે લોકોના નામ રજિસ્ટર્ડ થયેલા છે તે લોકોને જ પ્રાયોરિટી અનુસાર ડોઝ અપાશે. સ્પોટ પર રજિસ્ટ્રેશન નહીં કરાવી શકાય
– રાજ્યોને રસીનો જથ્થો કોઈ એક ઉત્પાદક પાસેથી લઈ જિલ્લા સુધી પહોંચાડવાનો રહેશે, જેથી અલગ-અલગ વેક્સિનને ભેગી થતી અટકાવી શકાય.
– રસીનો જેમાં સંગ્રહ કરાય છે તે બોક્સ કોઈપણ સંજોગોમાં તડકાના સંપર્કમાં ના આવે તે ખાસ ધ્યાન રખાશે

રસી લેનારો વ્યક્તિ સેન્ટર પર આવી ના જાય ત્યાં સુધી વેક્સિન અને ડાઈલ્યૂન્ટ્સને વેક્સિન કેરિયરમાં જ રખાશે.
– તમામ લોકોના રસીકરણને સુનિશ્ચિત કરવા માટે રાજ્યોએ 360 ડિગ્રી કાર્યક્રમ ઘડવાનો રહેશે, અને કોઈપણ પ્રશ્નનું સમાધાન શોધવાનું રહેશે.
– તાજેતરમાં જ સરકારે જણાવ્યું હતું કે તે 60 કરોડ ડોઝને ડિલિવર કરવા માટે ઈલેક્શન મશીનરીને કામે લગાડશે. આ ઉપરાંત, સરકારે 28,974 કોલ્ડ ચેઈન પોઈન્ટ્સ અને 85,643 ઈક્વિપેન્ટ્સ પણ ઉભા કરવાની તૈયારી આદરી છે, જેમાં રસીને સંગ્રહી શકાશે.