બોગસ લાભાર્થીઓ પકડવા માટે પુરવઠા વિભાગ તથા આરટીઓએ હાથ મિલાવ્યા
જન્મ-મરણ ખાતાનું લીસ્ટ પણ સરખાવાશે અને પછી ડોર-ટુ-ડોર સર્વે થશે
ગરીબ-સામાન્ય વર્ગોને અપાતો રેશનીંગનો લાભ સુખી-સંપન્ન લોકો પણ આંચકી જતા હોવાનું ધ્યાને આવ્યાના પગલે પુરવઠા વિભાગ દ્વારા આરટીઓ સાથે કરાર કરવામાં આવ્યા છે. કાર જેવા વાહન ધરાવતા બોગસ લાભાર્થીઓને શોધીને તેઓનું નામ હટાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં 69 લાખ પરિવારોના 3.36 કરોડ લોકો રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સામેલ છે તેઓને સસ્તાભાવનું અનાજ મળવાપાત્ર છે. સુખી-સમૃદ્ધ લોકો પણ ગરીબો માટેની આ યોજનાનો લાભ લેતા હોવાનું ધ્યાને આવતા આવા બોગસ લાભાર્થીઓને હટાવવા આદેશ કરવામાં આવ્યા છે. પુરવઠા નિગમના ડાયરેકટર તુષાર ધોળકીયાએ કહ્યું કે કાર ધરાવતા લોકોનું લીસ્ટ આપવા આરટીઓને કહેવાયું છે. આધારકાર્ડ સાથે નામો સરખાવાશે. કાર ધરાવતા લોકો પણ સસ્તા અનાજનો લાભ લેતા હશે તો તેઓના નામો હટાવી દેવામાં આવશે.
આરટીઓ સિવાય જન્મ-મરણ વિભાગ સાથે પણ આ પ્રકારની કવાયત હાથ ધરવામાં આવશે. પુરવઠા વિભાગે છેલ્લા બે મહિના દરમિયાન માત્ર અમદાવાદમાંથી 1065 લોકોના નામ કમી કરી નાખ્યા છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ એક વર્ષથી લાભ નહીં લેનારા લોકોના નામ પણ કાઢી નાખવામાં આવ્યા છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013માં લાગુ થયો હતો. ગુજરાતમાં 2013માં તેનો અમલ શરૂ થયો હતો. આ યોજનાના લાભાર્થી નકકી કરવા માટે નિશ્ર્ચિત માપદંડ નકકી કરાયા હતા. શહેરી વિસ્તારને લાગેવળગે છે ત્યાં સુધી પાકા મકાન, કારની માલીકી જેવા માપદંડો પણ નિયત કરાયેલા છે. આરટીઓની યાદીના આધારે બોગસ લાભાર્થીઓના નામોની બાદબાકી કરી નાખવામાં આવ્યા બાદ ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરવામાં આવશે. પાકા મકાનમાં રહેતા લાભાર્થીઓના નામો કાઢી નાખવામાં આવશે. અન્ન સબસીડીનો લાભ નિયત વર્ગને જ મળે તે જોવાનો સરકારનો ઉદેશ છે.
આરટીઓના સુત્રોએ કહ્યું કે નાગરિક પુરવઠા વિભાગની સુચના મુજબ કાર ધરાવતા લોકોનું લીસ્ટ અપાશે. રેશનીંગ વિક્રેતાઓએ એમ જણાવ્યું હતું કે બોગસ લાભાર્થીઓની ઓળખ મેળવીને તેમના નામોની બાદબાકી કરવાની જરૂર છે. 2013નું લીસ્ટ અમલમાં છે. ઘણા લોકો બીનજરૂરી રીતે સબસીડી મેળવે છે. સુખી સંપન્ન લોકોના નામ કમી થાય તો જરૂરીયાતમંદોને વધુ સહાય આપી શકાય. સરકાર પર પણ ફૂડ સબસીડીનો આર્થિક બોજ ઘણો હળવો થઇ શકે.
ગુજરાત રેશનીંગ વિક્રેતા એસોસીએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ કહ્યું કે દર દસ વર્ષે રેશનકાર્ડ ધારકોનું લીસ્ટ નવું બનાવવા અનેક વખત માંગ કરી છે. તેના આધારે બોગસ લાભાર્થીઓને હટાવી શકાય. દર વખતે વિક્રેતાઓ પર જ દોષનો ટોપલો નાખવાનું યોગ્ય નથી