આ છે ભાવનગરના પ્રખ્યાત ભરેલા મરચા.. આનો સ્વાદ તો તમે ક્યારેય નહિ ભૂલો, વાંચો એની રેસિપી..

1165

અમે તમારા માટે એક નવી રેસિપી લઈને આવ્યા છીએ. અને એ છે ભાવનગરના પ્રખ્યાત ભરેલા મરચાંની રેસિપી.

તમારામાંથી ઘણા લોકોએ ભરેલા મરચા બનાવીને ખાધા હશે. પણ તમે કદાચ ભરેલા ભાવનગરી મરચા બનાવીને ટ્રાઈ નહિ કર્યા હોય.

એટલા માટે આજે અમે તમારા માટે ભરેલા મરચાની રેસીપી લઇને આવ્યા છીએ. જણાવી દઈએ કે, આ મરચાં બનાવવામાં સહેલા અને ઝડપ છે. તો આવો તમને જણાવીએ કે, ભરેલા ભાવનગરી મરચા કેવી રીતે બનાવવા?

ભાવનગરી મરચા બનાવવા માટે સૌથી પહેલા તાજા મરચાં લઈ આવો. પછી એ મરચાંને સારી રીતે ધોઈને તેમાં કાપા કરી લો. હવે એ મરચામાં ભરવામાં આવતો મસાલો તૈયાર કરો. એ મસાલો બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખો.

હવે જીરું લાલ થાય એટલે તેમાં ડુંગળી, આદું-મરચાંની પેસ્ટ અને હળદર નાખીને એને સારી રીતે સાંતળો. પછી જયારે ડુંગળી અધકચરી ચઢી જાય એટલે તેમાં પલાળેલી મગની દાળ ઉમેરીને તેને બરાબર મિક્સ કરી દો.

પછી તેમાં થોડું પાણી ઉમેરો અને મગની દાળને ચઢવા દો. મગની દાળ સારી રીતે ચઢી જાય ત્યાં સુધી ગેસ ચાલુ રાખો. ત્યારબાદ ગેસ બંધ કરીને તેમાં કોથમીર ઉમેરીને તેને એકબાજુ થોડું ઠંડુ થવા માટે મુકી દો.

એ ઠંડુ થાય એટલે એ મસાલાને કાપ મુકેલા મરચામાં ભરો. ત્યારબાદ એનો વઘાર કરો. એના માટે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.

તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરો. જીરું લાલ થાય એટલે તેમાં ભરેલાં મરચાં નાખીને થોડી વાર માટે સાંતળો. પછી તેને ધીમા તાપે ચઢવા દો. તમારે બધાં મરચાં લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી એને ચઢવા દેવાના છે. તો આ સરળ રીતે તૈયાર છે તમારા ટેસ્ટી અને મસાલેદાર ‘ભરેલાં ભાવનગરી મરચાં’.