કોંગ્રેસના લોકલાડીલા નેતાશ્રી શક્તિસિંહજી ગોહિલનો આજે છે, જન્મ દિવસ !!..

697

કોંગ્રેસના લોકલાડીલા નેતાશ્રી શક્તિસિંહજી ગોહિલનો આજે છે, જન્મ દિવસ..

ગુજરાતના ખ્યાતનામ કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી લિખિત
“ સૌરાષ્ટ્રની રસધાર ” માં જેનું નામ ગુજરાતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોથી અંકિત થયેલું છે તેવા ભાવનગર રાજ્યના ગોહિલવાડ પંથકના જુના રજવાડા લીમડાના (હનુભાના) રાજવી કુટુંબમાં જન્મેલા શ્રી શક્તિસિંહજી ગોહિલને રાજનિતી અને રાજધર્મ ના સંસ્કારો જેમ શિવાજી મહારાજને માતા જીજાબાઈએ પારણામાં આપ્યા હતા તેમ તેમને પણ તેમના પૂજ્ય માતૃશ્રીએ જ ગળથૂથીમાં સંસ્કારોનું સિંચન કર્યું છે.
કોલેજકાળ થી જ નેતૃત્વના ગુણો ધરાવતા શ્રી શક્તિસિંહજી ગોહિલ ભાવનગરની પ્રતિષ્ઠિત ખ્યાતનામ વિજ્ઞાન કોલેજ સ્નાતક (BSC) થઇ કોલેજમાં જી.એસ. બની બહુમાન પ્રાપ્ત કર્યું. નાનપણ થી જ અભ્યાસમાં રૂચી ધરાવતા શ્રી શક્તિસિંહજી વિજ્ઞાનના સ્નાતક થયા પછી કાયદાશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું . માત્ર એલ.એલ.બી. (L.LB) ની ડીગ્રી મેળવી સંતોષ ન લેતા ઉચ્ચ અભ્યાસ માટે કાયદાશાસ્ત્રનું અનુસ્નાતક પદ મેળવી એલ.એલ.એમ. (L.LM) કર્યું. સાથે સાથે સમાજની ચોથી જાગીર ગણાતા અને લોકશાહી ના મજબૂત સ્તંભ સમાન પ્રચાર – પ્રસાર ના એકવીસમી સદીના આધુનિક જમાનાથી દૂર કેવી રીતે રહી શકાય એમ સમજી પત્રકારત્વની ડીગ્રી (Diploma in Journalism) મેળવી. આજનો માનવી ચંદ્ર ઉપર પહોંચી ગયો છે તો આપણે સમયની સાથે તાલ ન મિલાવીએ તો આપણી પણ દશા વિશ્વના સૌથી મોટા પ્રાણી “ ડાઈનોસોર ” ની જેમ નાશ પામીએ એટલે જમાનાની સાથે ડગલા માંડવા કોમ્પ્યુટરનું સાચા અર્થમાં શિક્ષણ મેળવી (Diploma in Computer Science) ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરી.
ન્યાયની દેવી જ્યાં બિરાજે છે એ ગુજરાતની વડી અદાલત એવી ગુજરાત હાઈકોર્ટમાં પ્રતિષ્ઠાનું સ્થાન ધરાવતા ધારાશાસ્ત્રીઓમાં આજે પણ શક્તિસિંહજીનું નામ સન્માનથી લેવાય છે. સરકારી તંત્રના અન્યાયોનો ભોગ બનેલો સમાજનો છેવાડાનો માનવી જયારે નિરાધાર બની જાય છે અને ન્યાય ઝંખે છે ત્યારે આશરો મેળવવા માટે ગુજરાત ની વડી અદાલતમાં શક્તિસિંહજી એક માત્ર ” નોંધારાનો આધાર” છે.
ભૂતકાળમાં એંશી (૧૯૮૦) ના દાયકામાં જયારે કોંગ્રેસનો સુરજ મધ્યાહ્ને તપતો હતો ત્યારે બાળપણમાં ઝાડ પર કે વીજળી ના થાંભલે ચડી પક્ષના પડદા અને બેનર બાંધવાની મજાને વાગોળતા શક્તિસિંહજી ધીમે ધીમે રાજકારણના રંગે રંગાતા ગયા. જાહેરજીવન એ જ જિંદગીનો ધ્યેય હોય એમ કુટુંબ વ્યવસ્થાથી દૂર રહી હંમેશા રાષ્ટ્ર સેવાને પ્રાધાન્ય આપ્યું. પ્રથમ રાષ્ટ્ર પછી પક્ષ અને પછી હું એવી વિશાળ મનોવૃત્તિ સાથે યુવા કોંગ્રેસમાં જોડાયા. રાજકીય વારસાની ” રાઈ ” મનમાં રાખ્યા વગર પૂજ્ય દાદા સ્વ. શ્રી રણજીતસિંહજી ગોહિલ ૧૯૬૭માં જ્યારે ધારાસભ્ય હતા ત્યારે દાદાની પ્રતિષ્ઠાનો લાભ લઇ પેરેશુટ દ્વારા આકાશમાંથી ઉતરી સીધા વિધાનસભામાં પ્રવેશવાની મંશા રાખ્યા વગર જીલ્લા પંચાયતના સદસ્ય પૂજ્ય પિતા સ્વ. શ્રી હરીશચંદ્રસિંહજી ના સત્યના રણકા સાથેના કડક સ્વભાવને જેમ ભગવાન રામ પિતા દશરથના આદેશનું પાલન કરતા તેમ હર હંમેશાં વડીલોના આદેશને માન આપી પિતાશ્રી ના પગલે પગલે શ્રી શક્તિસિંહજી પણ સ્થાનિક સ્વરાજની સંસ્થા એવી જીલ્લા પંચાયતમાં ચૂંટાયા. ગામડાના મફત ગાળાના પ્લોટ થી લઇને ઘર વિહોણાને ઘર, દલિત, લઘુમતિ તથા અન્ય પછાત જ્ઞાતિઓ ના રહેણાંક સુધી પાણી ની સુવિધા તથા ગ્રામ્ય જીવનને લગતી મુશ્કેલીઓ અને તેના સચોટ ઈલાજ અને સફળ નિરાકરણનો ખુબ જ ઝીણવટભર્યો અભ્યાસ કરી સાચા અર્થમાં ગ્રામ્ય જીવનના પ્રવાહો જાણ્યા. પોતાના કામથી પ્રભાવિત જનતા એ ફરીથી શક્તિસિંહજી જિલ્લા પંચાયતમાં ચૂંટ્યા અને જિલ્લા પંચાયતના સૌથી નાની ઉમરના ઉપ-પ્રમુખ થવાનો યશ પ્રાપ્ત થયો.
નેવું ના (૧૯૯૦) દાયકામાં એક બાજુ કોંગ્રેસ પક્ષ જબરદસ્ત સત્તા વિરોધી મોજાનો સામનો કરી રહ્યો હતો બીજી બાજુ પૂર્વ વડાપ્રધાન શ્રી વિ.પી. સિંહનો બોફોર્સના કહેવાતા જુઠાણાની આંધી વચ્ચે ૩૦ વર્ષની યુવાન વયે સંસ્કારી નગરી તરીકે જાણીતા ભાવનગર શહેરના શિક્ષિત મતદારોના વિસ્તાર સમા ભાવનગર – દક્ષિણ મતવિસ્તાર માંથી લોકોએ બંને બાજુથી આવતી નકારાત્મક વાતોને અવગણી ધારાસભ્ય તરીકે ચૂંટ્યા. ભાવનગર જિલ્લાની જરૂરિયાતમંદ પ્રજાને આર્થિક સહાય આપતી જિલ્લાની કરોડરજ્જુ સમાન ભાવનગર ડીસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકને રાજ્ય સરકાર દ્વારા થતા અન્યાય સામે મોરચો માંડ્યો અને આમરણાંત ઉપવાસ પર ઉતરી જિલ્લાના તમામ ખેડૂતોનો વિશ્વાસ જીત્યો. આ સત્તા સામે નો સંઘર્ષ પક્ષના શીર્ષસ્થ નેતાઓ ની આંખમાં અમીની જેમ વસવા લાગ્યો.
ગુજરાત વિધાનસભામાં માત્ર ૩૩ ધારાસભ્યો જ પોતાના પક્ષ ના ચૂંટાયા હોય ત્યારે વિરોધ પક્ષની લઘુત્તમ લાયકાત પણ માંડ માંડ બચી હોય ત્યારે ખુબ જ જોખમ અને ઝનુનથી વિપક્ષના સભ્ય તરીકે વિધાનસભા ગૃહમાં સત્તાધારી પક્ષને જુદા જુદા મુદ્દાઓ અને અલગ અલગ મોરચે સચોટ અને સજ્જડ તાર્કિક પ્રશ્નો થી ઘેરતા શક્તિસિંહજી થી સત્તાધારી પક્ષ વિધાનસભામાં થરથર ધ્રુજતો. શક્તિસિંહજીના વિષયનું ઊંડાણ તથા તર્કબદ્ધ રજૂઆત જોઇને લોકો વિધાનસભાના શ્રેષ્ઠ પાર્લામેન્ટ્રીયન તરીકે જોવા લાગ્યા સાથે સાથે હાઈકમાન્ડ પણ શક્તિસિંહજી માટે ગૌરવ લેતું. કોંગ્રેસ પક્ષ ના ૩૩ ધારાસભ્યોથી ક્યારેય સરકારમાં બેસવાના સ્વપ્ન ન જોઈ શકાય પણ વિધાતાના લેખને કોણ રોકી શક્યું છે ?
૧૯૯૨માં જનતા દળ અને ભાજપ બાબરી મસ્જિદ ધ્વંસ્ત મુદ્દે જુદા પડ્યા અને તત્કાલીન સરકારનો અંત આવ્યો. જનતા દળના તત્કાલીન મુખ્યમંત્રી સ્વ. શ્રી ચીમનભાઈ પટેલ પોતાની પાર્ટીનું ગુજરાત કોંગ્રેસમાં વિલીનીકરણ કરતા કોંગ્રેસ પક્ષની સરકાર બનવાનો સોનેરી સુરજ ઉગ્યો.
“ ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે ” એ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ શ્રી શક્તિસિંહજી ગોહિલ વિરોધ પક્ષ ના ધારાસભ્ય મટીને સત્તાધારી પક્ષના સભ્ય બન્યા. પક્ષના હાઈકમાન્ડની આંખમાં વસેલા અને પ્રીતિપાત્ર શ્રી શક્તિસિંહજી પોતે સરકાર બન્યા. ગુજરાત સરકારમાં સ્વચ્છ પ્રતિભા, ઉચ્ચ શિક્ષિત, વિશ્વાસુ, પક્ષને વફાદાર અને બિનસાંપ્રદાયિક વિચારધારા ધરાવનાર શ્રી શક્તિસિંહજી ગોહિલને આરોગ્ય અને આયોજન વિભાગના મંત્રી બનાવ્યા. ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ૩૨ વર્ષે ર્સૌથી નાની ઉમરના મંત્રી બનવાનો યશ શક્તિસિંહજીના ફાળે જાય છે. વહીવટી સુઝ – બુઝ અને બિનભ્રષ્ટાચારી છબીને લીધે શક્તિસિંહજી ગુજરાત રાજ્યની પ્રજાની નજરમાં વસ્યા. કમનસીબે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલનું અચાનક અવસાન થતા ગુજરાતનો તાજ શ્રી છબીલદાસ મેહતાના શિરે આવ્યો. ફરીથી શ્રી છબીલદાસ મહેતા મંત્રીમંડળ ના વિસ્તરણમાં સૌથી અગત્યના એવા નાણાં, શિક્ષણ, પર્યાવરણ અને નર્મદા વિકાસ જેવા ખુબ જ મહત્વના ખાતા શ્રી શક્તિસિંહજીને સોંપ્યા. આ અગ્નિ પરીક્ષામાં પણ ખરા ઉતરેલા શક્તિસિંહજીએ ગાડી પરની લાલ બત્તી, બંગલો, સરકારી મોભો વગેરેની પરવા કર્યા વિના ભાવનગર શહેરમાં મેડીકલ કોલેજ હોવી જ જોઈએ તેવી માંગણી સાથે અચાનક સરકાર માંથી રાજીનામું ધરી દીધું. સરકારે શક્તિસિંહજી ની માંગણી યોગ્ય લાગતા ભાવનગરને મેડીકલ કોલેજ ફાળવી જે આજે પણ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદની સરવાણી છે. પોતાના વિસ્તારના પ્રશ્નો માટે સરકારને છોડવા વાળા આગેવાનો શોધવા અત્યારના સમયમાં મુશ્કેલ છે.
શ્રી શક્તિસિંહજી ૧૯૯૫માં ફરીથી સામા પવને ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને પ્રથમ વાર સૌથી નાની ઉમરે વિધાનસભાના મુખ્ય દંડક બનવાનો રેકોર્ડ ધરાવે છે તથા ૨૦૦૨ના કોમવાદી વાતાવરણમાં પણ સંપૂર્ણ ધર્મનિરપેક્ષતા ને વળગી રહી હસતા હસતા હાર ને સ્વીકારી પરંતુ સર્વ – ધર્મ સમભાવની ભાવના ને ચુસ્ત પણે વળગી રહી દેશના બંધારણને વફાદાર રેહવાના તથા લઘુમતિઓએ પોતાના પર મુકેલા વિશ્વાસ ને સાર્થક કર્યો. કહેવાય છે કે
“ જુઠનો દશકો અને સત્યની સદી ” એમ ફરીથી ભાવનગરની સંસ્કારી અને શિક્ષિત જનતાએ ૨૦૦૭માં પોતાના પ્રતિનિધિ તરીકે વિધાનસભામાં મોકલ્યા. હાઈકમાન્ડને તો ” દોડવુતું ને ઢાળ મળ્યો ” એમ ફરીથી ગુજરાત વિધાનસભામાં નિર્વિરોધ વિપક્ષના નેતા બનાવ્યા.
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે સરકારની દરેક હિલચાલ પર બાજ પક્ષીની જેમ નઝર રાખી સરકારના ખૂણે ખૂણાના ભ્રષ્ટાચારને પ્રજા સમક્ષ ઉજાગર કર્યો. ખેડૂતોની કિંમતી ઉપજાઉ જમીન મફત ના પાણી ના ભાવે ઉદ્યોગપતિઓને પધરાવી દેવાની નીતિઓનો સજ્જડ વિરોધ કર્યો. વિધાનસભાના ગૃહમાં અને ગૃહની બહાર જનતામાં ભ્રષ્ટાચાર વિરુધ મોરચો ખોલ્યો બીજી બાજુ ગુજરાત સરકાર સામે એક પછી એક કૌભાંડો ખુલતા ગયા અને એના પુરાવા દેશના મહા મહીમ રાષ્ટ્રપતિજીને સોંપ્યા જેના કારણે ગુજરાત સરકારે ના છૂટકે ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે એમ.બી.શાહ તપાસ પંચ મુકવું પડ્યું. બીજી બાજુ સરકાર ભ્રષ્ટાચારની તપાસથી ભાગવા માટે લોકાયુક્ત નીમવા માટે ત્રાગાં કરવા લાગી પરંતુ ‘ હાર માને એ બીજા ‘ એમ સમજી શક્તિસિંહે છેક દેશની સુપ્રિમ કોર્ટ સુધી લડાઈ લડી સરકાર ને હરાવી અને ગુજરાત સરકારે શરમજનક સ્તિથિમાં મુકાવું પડ્યું અને ‘ થુકેલું ચાટી’
નાછુટકે લોકાયુક્તની નિમણુક કરવી પડી.
ગુજરાત સરકાર ના ભ્રષ્ટ અધિકારીઓ આજે પણ સરકાર થી ઓછા શક્તિસિંહ થી વધુ ડરે છે.
માત્ર વહીવટ માં જ નહિ પરંતુ પક્ષના સંગઠનમાં પણ શક્તિસિંહજી હમેશા રચ્યા – પચ્યા રહે છે. ભાવનગર જિલ્લા ના યુવક કોંગ્રેસ ના પ્રમુખ થી શરુ કરી પક્ષના મહામંત્રી તથા ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા તરીકે વર્ષો સુધી કામગીરી બજાવી છે. પોતાના વાકચાતુર્ય તથા સુંદર વક્તૃત્વશકિત ને કારણે શ્રી શક્તિસિંહજી આજે પક્ષના શ્રેષ્ઠ’ વક્તા અને શ્રેષ્ઠ પ્રવક્તા ‘ બંનેમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
શ્રી શક્તિસિંહજી
વિશ્વમાં ચાલતી ત્રણે ભાષા પર પ્રભુત્વ ધરાવતા હોવાથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ‘ રાષ્ટ્રીય પ્રવક્તા ‘ તરીકેની ખુબ જ અગત્યની જવાબદારી સોંપી છે.
શ્રી શક્તિસિંહજી સતત રાજકીય બાબતોમાં વ્યસ્ત રહેવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ માં ખુબ જ રસ ધરાવે છે. કુદરતી આફતોના સમયમાં રાજકીય આટા પાટા ભૂલી માનવતાવાદને પ્રાથમિકતા આપી ગમે તેવી વિકટ પરિસ્થિતિઓમાં દોડી જાય છે. કચ્છમાં ક્યારે કંડલામાં વિનાશક વાવાઝોડું ત્રાટક્યું ત્યારે સતત ૧૫ દિવસ સુધી કંડલામાં હાજર રહી અસરગ્રસ્તોને મદદરૂપ થયા હતા પરંતુ કચ્છના ઈતિહાસની સૌથી મોટી કમનસીબ અને દુખદ દુર્ઘટના એવા ધરતીકંપ વખતે શ્રી શક્તિસિંહજી મહિનાઓ સુધી કચ્છી માડુઓ વચ્ચે રહી કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ શ્રી અહમદભાઈ પટેલ ની આગેવાની હેઠળ ગાંધીધામમાં ડેરા – તંબુ તાણી ધામા નાખ્યા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર દેશ માંથી આવતા મદદના ધોધને સપ્રમાણ વહેંચી કચ્છની જનતાના દુખમાં સહભાગી થયા હતા. કારગીલ ના યુદ્ધ વખતે કચ્છ સરહદી જિલ્લો હોવાના નાતે દેશના જવાનોનું મનોબળ વધારવા અને પાકિસ્તાનની મેલી મુરાદો પાર ન પડે તે માટે સ્વ. શ્રી રાજેશ પાઈલોટ સાથે દેખાવો યોજ્યા હતા. ૧૯૮૬-૮૭ માં ગુજરાત રાજ્ય જયારે ભયંકર સતત ત્રણ દુષ્કાળનો સામનો કરી રહ્યો હતો ત્યારે તત્કાલીન વડાપ્રધાન સ્વ. શ્રી રાજીવ ગાંધી સાથે ધોમ ધખતા તાપમાં મૂંગા પશુઓની સેવા કરતા શક્તિસિંહજી ને લોકોએ જોયા છે.
કેહવાય છે કે “ જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી ” એમ વેપારી બનીને પ્રજાસેવક ના સ્વાંગમાં આવેલા લોકોને ઓળખી જનતાએ સાચા પ્રજા સેવકને સ્વીકાર્યો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ “ મેં નહિ પણ હમ ” ની ભાવના સાથે હર હંમેશ બધાને સાથે લઇ ચાલવા ટેવાયેલા શક્તિસિંહજી જે મનમાં વિચારે છે તેટલું જ બોલે છે…. જેટલું બોલે છે તે કરી બતાવે છે. શક્તિસિંહજી હંમેશા નાના માણસના માણસ રહ્યા છે… શક્તિસિંહજી પર જનતાએ મુકેલો વિશ્વાસ ક્યારેય એળે નહિ જાય..

શ્રી શક્તિસિંહજી ને પરમ કૃપાળુ પરમાત્મા દીર્ઘાયુ બક્ષે તેવી આ શુભ જન્મદિવસે પ્રાર્થના.