18 રૂપિયાના આ શેરની કિંમત 4 મહિનામાં થઈ ગઈ રૂ. 1300, 10 હજારના રોકાણ પર 7.25 લાખ રિટર્ન

497

એક નાદાર થયેલી ફાર્મા કંપનીના શેરમાં છેલ્લા 4 મહિનામાં 7000 ટકા કરતાં વધારેનો ઉછાળો આવ્યો છે. અત્યારે પણ શેરમાં ઉપલી સર્કિટ લાગેલી છે. આ વાત છે નાદાર કંપની ઓર્કિડ ફાર્મા લિમિટેડની. હકીકતમાં નાદાર થયા પછી ઓર્કિડ ફાર્માને એનસીએલટીના રિઝોલ્યુશન પ્લાન અંતર્ગત ધનુકા લેબે ખરીદી હતી. ત્યાર પછીથી ઓર્કિડ ફાર્મા કંપનીના શેરમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે.

ફાર્મા સ્ટોક ઓર્કિડે વળતર આપવાના મામલે બિટકોઈનને પણ પછાડી દીધું છે. જ્યાં ઓર્કિડ ફાર્મા શેરમાં છેલ્લાં 4 મહિનામાં 7000 ટકા કરતાં વધારે રિટર્ન મળ્યું છે. ત્યાં બિટકોઈનમાં 203 ટકા વળતર મળ્યું છે.

3 નવેમ્બર 2020ના રોજ ઓર્ચિડ ફાર્માને સ્ટોક એક્સચેંજમાં ફરી લિસ્ટેડ કરાવવામાં આવી હતી. ત્યાર પછી કંપનીના શેરના ભાવમાં કદી ઘટાડો આવ્યો નથી. રી-લિસ્ટિંગના દિવસથી અત્યારસુધીમાં કંપનીના સ્ટોક્સમાં રોજ ઉપરની સર્કિટ વાગી છે. બુધવારે 10 માર્ચે શેરમાં 5 ટકાની અપર સર્કિટ વાગી હતી અને શેર NSE પર 1,307.55 રૂપિયાની સપાટી પર બંધ થયો હતો.

રી-લિસ્ટિંગના સમયે શેરની કિંમત રૂ. 18 હતી
ઓર્કિડ ફાર્મા કંપની જ્યારે 3 નવેમ્બર 2020ના રોજ રી-લિસ્ટ કરવામાં આવી ત્યારે શેરનો ભાવ 18 રૂપિયા થયો હતો, જે 10 માર્ચ 2021ના રોજ વધીને રૂ. 1,307.55ની સપાટીએ પહોંચી ગયો છે. આમ, આ રીતે જોવામાં આવે તો માત્ર 128 દિવસમાં રોકાણકારોએ 10 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેમણે 7.25 લાખનું વળતર મળ્યું હશે.

માર્કેટ કેપ વધીને 5,000 કરોડને પાર
ચાલુ નાણાકીય વર્ષે ડિસેમ્બરમાં કંપનીની રેવન્યુ 102.63 કરોડ થઈ છે અને કંપનીને 45.33 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. માર્ચ 2020માં કંપનીની રેવન્યું 505.45 કરોડ હતી અને 149.84 કરોડ રૂપિયાનું ચોખ્ખું નુકસાન થયું હતું. ચેન્નઈબેઝ્ડ આ ફાર્મા કંપનીની માર્કેટ કેપ વધીને 5,000 કરોડ કરતાં વધારે થઈ ગઈ છે.

ઓર્કિડ ફાર્મા કંપનીમાં ધનુકા લેબની ભાગીદારી 98.04 ટકા છે. આ સિવાય બીજી નાણાકીય સંસ્થાઓની ભાગીદારી 1.19 ટકા છે, જ્યારે રિટેલ રોકાણકારો પાસે કંપનીનો માત્ર 0.5 ટકા હિસ્સો છે. કંપનીના સ્ટોક્સની આ શોર્ટેજને કારણે જ શેરની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો છે.

SOURCE : DB