સુસ્વાગતમ રાફેલ : રાફેલ ફાઇટર પ્લેનનું ભારતમાં આગમન! આલા રે આલા ચીન-પાકિસ્તાન કા બાપ આલા…

775

હવે દુશ્મનોની ખેર નથી : છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દયે તેવા મહાશકિતમાન રાફેલ વિમાનના પ્રથમ જથ્થાનું લેન્ડીંગ : વાયુદળના વડાએ કર્યું સ્વાગત : સમગ્ર દેશ ગૌરવવંત : ભારતની લશ્કરી તાકાતમાં પ્રચંડ વધારો


નવી દિલ્હી તા. ૨૯ : હવે ચીન અને પાકિસ્તાનના નાપાક ઇરાદાઓને ભારતીય વાયુદળ નેસ્ત નાબુદ કરી નાખશે. લગભગ ૨૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી જે જેટ વિમાન ૬ મિનિટમાં પાકિસ્તાન અને ૯ મીનીટમાં ચીન સુધી પહોંચી જાય એ મહાશકિતમાન રાફેલ વિમાનોના પ્રથમ જથ્થાએ આજે ભારતમાં લેન્ડીંગ કર્યું છે. ભારતે જે શકિત કેળવી છે તેને લઇને દેશભરમાં જશ્ન મનાવાય રહ્યો છે.

ફ્રાન્સથી ખરીદાયેલા ૩૬ આધુનિક રાફેલ વિમાનોમાંથી ૫ વિમાન લગભગ ૭૦૦૦ કિમીનું અંતર કાપી આજે બપોરે અંબાલા એરબેઝ પર આવી પહોંચતા વાયુદળના વડા એર ચીફ માર્શલ આરકે એસ ભદોરીયાએ સ્વાગત કર્યું હતું. ભારતે ફ્રાન્સ સાથે ૩૬ રાફેલ વિમાનો ખરીદવા માટે રૂ. ૫૯૦૦૦ કરોડનો સોદો કર્યો છે.

ફ્રાન્સથી પાંચ રાફેલ લડાકુ વિમાનના આવ્યા પહેલા મંગળવારે અંબાલા વાયુ સેના કેન્દ્રની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કલમ ૧૪૪ લાગૂ કરી દેવામાં આવી છે. અહીં વીડિયોગ્રાફી અને ફોટા પાડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે, અંબાલા જિલ્લા વહીવટી તંત્રએ વાયુ સેના કેન્દ્રના ત્રણ કિલોમીટર વિસ્તારમાં લોકોને ડ્રોન ઉડાવવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

ડેપ્યુટી કમિશનર અશોક શર્માએ એક આદેશમાં કહ્યું કે, ધુલકોટ, બલદેવનગર, ગરનાલા અને પંજખોડા સહિત વાયુ સેનાના આસપાસના ગામોમાં કલમ ૧૪૪ લગાવી દેવામાં આવી છે, જે હેઠળ ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે.

દેશમાં રાફેલની પહેલી સ્કવોડ્રન અંબાલામાં જ તૈનાત થશે. જ્યારે બીજી સ્કવોડ્રન પશ્ચિમ બંગાળના હાસીમારા એરફોર્સ સ્ટેશનમાં તૈનાત કરાશે. રફાલના આગમનને લઇને અંબાલા એરફોર્સ સ્ટેશનને નો ડ્રોન ઝોન જાહેર કરી દેવાયું છે. જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

આદેશ પ્રમાણે એરફોર્સ સ્ટેશનના ત્રણ કિલોમીટરના દાયરામાં જો કોઇપણ ડ્રોન ઉડાવશે તો એરફોર્સ ઓથોરિટી માત્ર તે ડ્રોનને નષ્ટ કરી દેશે. પરંતુ ડ્રોન ઉડાવનારી એજન્સી કે વ્યકિતની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

સાત ભારતીય વિમાન ચાલકો આ પાંચ લડાકુ વિમાનોને અંબાલા એરબેઝ પર ઉડાવશે. રાફેલ વિમાનની ખરીદી સાથે સંકળાયેલા નિવૃત્ત એર માર્શલ રઘુનાથ નંબિયારે જણાવ્યું હતું કે રાફાલ હાલના સમયનું શ્રેષ્ઠ વિમાન છે. આવી સ્થિતિમાં ભારતીય વાયુ સેના માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. ૧૮ વર્ષથી કોઈ પણ નવા લડાકુ વિમાનનું નિર્માણ કે ખરીદી કરવામાં આવી નહોતી.

નમ્બિયારે જણાવ્યું હતું કે ૨૦૦૨માં, છેલ્લું લડાકુ વિમાન સુખોઈ આપણા દેશમાં આવ્યું હતું. ૧૮ વર્ષ પછી, એક આધુનિક અને ભારે લડાકુ વિમાન અમારી પાસે આવી રહ્યું છે. હાલની પરિસ્થિતિ જોતાં, જયારે આપને બંને પડોશીઓ દ્વારા ધમકી આપવામાં આવે છે, ત્યારે રાફેલનું આગમન ખૂબ મહત્વનું બને છે.

એર માર્શલ નામ્બિયરે વધુમાં કહ્યું કે રાફેલ આ સમયે આકાશનું શ્રેષ્ઠ વિમાન છે. તેની તુલનામાં, પાકિસ્તાનના એફ -૧૬ અને જેએફ -૧૭ લડવૈયાઓ કયાંય રહ્યા નથી. જો તમારે રાફેલની તુલના ચેંગ્ડુ જે -૨૦ સાથે કરવી હોય, તો મને લાગે છે કે રાફેલ તેની ઉપર ઉભું છે.

તેમણે કહ્યું કે, ચીન અને પાકિસ્તાનની નકારાત્મક વિરોધી નીતિનો જવાબ આપવા ભારતની સૈન્ય દળ હવે વધુ અભેદ્ય, રક્ષણાત્મક અને જીવલેણ બનવા જઈ રહી છે. આનું કારણ છે કે રફાલની પહેલી બેચ અંબાલામાં આવી રહી છે. અને ત્યાં તહેનાત રહેશે. અહીં હાલમાં બે સ્કવોડ્રન કાર્યરત છે. પ્રથમ જગુઆર કોમ્બેટ અને બીજો મિગ -૨૧ બાઇસન. મિગ -૨૧ કેટલાક વર્ષોમાં કાફલાની બહાર નીકળી જશે.

આવી સ્થિતિમાં ફાઇટર જેટ રાફેલનું આગમન ભારત માટે ખૂબ મહત્વનું બની જાય છે. તેની જમાવટ સાથે, ભારતની ચીન અને પાકિસ્તાન પર વ્યૂહાત્મક ધાર હશે.