બાબા કા ઢાબા’ના માલિકે દિલ્હીમા એક નવી ચકાચક રેસ્ટોરાં શરૂ કરી છે
સાચા અર્થમાં ‘વાઇરલ સેન્સેશન’ એવા દિલ્હીના ‘બાબા કા ઢાબા’થી રાતોરાત જાણીતા થયેલા કાન્તા પ્રસાદે હવે દિલ્હીના જ માલવીય નગરમાં એક નવી ચકાચક રેસ્ટોરાં શરૂ કરી છે.
એમના મૂળ ઢાબાથી માત્ર એક જ મિનિટના અંતરે આવેલી આ રેસ્ટોરાંમાં તેઓ ઇન્ડિયન અને ચાઇનીઝ ક્વિઝિનની વાનગીઓ પીરસશે. આ પ્રસંગે તેમણે પોતાને મદદ કરવા બદલ ઇશ્વરનો અને લોકોનો આભાર માન્યો હતો.
એટલું જ નહીં, તેમણે લોકોને પોતાની આ નવી રેસ્ટોરાંની મુલાકાત લેવા માટે આગ્રહ પણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ગૌરવ વાસન નામના યુટ્યૂબરે વયોવૃદ્ધ કાન્તા પ્રસાદ અને તેમનાં પત્ની બદામી દેવીની કરુણ દારુણ હાલત પર એક વીડિયો બનાવ્યો હતો,
જે પ્રચંડ વાઇરલ થયો હતો. વીડિયોમાં બાબાએ લૉકડાઉનને કારણે પોતાને ત્યાં કોઈ ખાવા આવતું ન હોવાની સ્થિતિની રડતાં રડતાં વ્યથા વ્યક્ત કરી હતી. આ વીડિયો પ્રચંડ વાઇરલ થતાં તેમને ત્યાં લોકોની લાઇનો લાગી હતી અને ચારેકોરથી એમને મદદનો ધોધ પણ વહેવા લાગ્યો હતો.
જોકે થોડા જ સમયમાં એમણે પોતાને ફેમસ કરનારા યુટ્યૂબર ગૌરવ વાસન પર જ પોતાના પૈસા ખાઈ જવાનો અને મોતની ધમકીઓ આપવાનો આરોપ લગાવ્યો હતો..