‘બાબા કા ઢાબા’ના માલિક કાન્તા પ્રસાદ ફરી એકવાર ચર્ચામાં

214

‘બાબા કા ઢાબા’ના માલિક કાન્તા પ્રસાદ ફરી એકવાર ચર્ચામાં

થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર જબ્બર વાઇરલ થયેલા અને ત્યાર પછી પોતાને જ વાઇરલ કરનારા યુટ્યૂબર સામે પોલીસ ફરિયાદ કરનારા ‘બાબા કા ઢાબા’ના વયોવૃદ્ધ માલિક કાન્તા પ્રસાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે એમણે પોતાનો જીવ બચાવવા આજીજી કરી છે.

એમણે પોલીસ ફરિયાદ કરી છે કે એમને સતત ફોન પર જાનથી મારી નાખવાની અને તેમની નાનકડી દુકાન સળગાવી દેવાની ધમકીઓ મળી રહી છે. અમુક લોકો એમની દુકાને આવીને પણ ધમકીઓ આપી ગયા છે. બાબાએ સ્વીકાર્યું છે કે આ રાતોરાત નામ અને પ્રસિદ્ધિ મળ્યા પહેલાં પણ એમને કોઈની સાથે એવી કોઈ દુશ્મની નહોતી કે જેને માટે એમને આવી ગંભીર ધમકીઓ મળવા માંડે.

આ મામલે એમણે દિલ્હીના માલવીય નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. જોકે અત્યાર સુધી પોલીસે FIR તો નથી નોંધી, પરંતુ ફરિયાદ લઇને પોતાની રીતે તપાસ શરૂ કરી દીધી છે.

અગાઉ એમણે પોતાને જ ફેમસ કરનારા યુટ્યૂબર ગૌરવ વાસન સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે તેમની વહારે આવનારા વકીલ પ્રેમ જોશી આ વખતે પણ તેમની મદદે આવ્યા છે. તેમના આ વકીલનું કહેવું છે કે આ ધમકીઓ પાછળ યુટ્યૂબર ગૌરવ વાસનનો જ હાથ છે. જ્યારે ગૌરવ વાસનનું કહેવું છે કે એમના પર ફરી એકવાર લાગી રહેલા તમામ આરોપો જૂઠા અને સદંતર પાયાવિહોણા છે. બાબાને કોઈ ગેરમાર્ગે દોરી રહ્યું છે અને મારા પર જાણી જોઈને ખુન્નસ કાઢી રહ્યું છે.