શું પાકિસ્તાને અભિનંદનને ભારતને સોપીને શરીરમાં કોઈ બાયોચીપ લગાવી હતી ? જાણો તપાસમાં શું આવ્યું ?

0
582

શું પાકિસ્તાને અભિનંદનને ભારતને સોપીને શરીરમાં કોઈ બાયોચીપ લગાવી હતી ?

જાણો તપાસમાં શું આવ્યું ?

ભારતીય વાયુ સેનાના જાંબાઝ પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ભારતને સોંપવામાં પાકિસ્તાને ધાર્યા કરતાં વધુ કલાકો લીધા ત્યારે નિષ્ણાતો દ્વારા આશંકા વ્યક્ત થઈ હતી કે કદાચ અભિનંદનનું શારીરિક ઉત્પીડન થયું હોય. ટોર્ચરના ઘા રૃઝાય તો પાકિસ્તાનની કરતૂતો ઢંકાઈ જાય તે આશયથી અભિનંદનને પાકિસ્તાનમાં વધુ કલાકો રાખ્યા હોઈ શકે. ઉપરાંત પાઇલટને ઘેનનું ઇન્જેક્શન આપી એમના શરીરમાં કોઈ ઇલેક્ટ્રોનિક્સ ચિપ પણ બેસાડી દેવાઈ હોય તેવો ડર વ્યક્ત થયો હતો. પાકિસ્તાન છે,  કંઈ પણ સાહસ કે પ્રયોગ કરે. 

અભિનંદન ભારતને પરત મળ્યા પછી એમને સેનાની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમની વિગતવાર શારીરિક અને માનસિક તપાસ થઈ. અસહ્ય ઊંચા ઘોંઘાટિયા સંગીત અને પ્રકાશ વચ્ચે બેસાડીને એમને એવો માનસિક ત્રાસ અપાયો હતો જેનાં નિશાન શરીર પર ના પડે, પણ તે સહન કરનાર તોબા પોકારી જાય. આ વિગતો એમણે સ્વદેશ આવ્યા બાદ ડૉક્ટરોને જણાવી છે. પાકિસ્તાનીઓએ જાસૂસી કરવાના આશયથી અભિનંદનના શરીરમાં કોઈ ચિપ કે ચિપ્સ બેસાડી કે ઘૂસાડી દીધી છે કે કેમ તેની પણ અવશ્ય તપાસ થઈ અને તેમના શરીરમાં આવી કોઈ ચીપ ન હોવાનું જાહેર કરાયું છે. બાયોચિપ તરીકે ઓળખાતી આ પ્રકારની ચિપ્સ અગાઉ કાલ્પનિક વિજ્ઞાન કથાઓમાં ખૂબ વપરાઈ છે, પરંતુ હવે તે વાસ્તવિકતા બની છે. જે કામની જરૃર હોય તે કામનો પ્રકાર તે અત્યંત બારીક ચિપમાં ગોઠવી દીધા પછી શરીરમાં છૂપાયેલી ચિપ તે કામ પોતાની રીતે કરતી રહે છે.

વરસ ૨૦૧૧માં બ્રિટનમાં નિર્માણ પામેલી એક ટીવી સિરિયલ નામે બ્લેક મિરરપ્રસારિત થઈ હતી. તેમાં એક પતિ-પત્ની બંનેના કાનની પાછળ એક અનાજના દાણા જેવડી ચિપ્સ ઇમ્પ્લાન્ટ કરેલી હોય છે જેમાં તેમના જીવનમાં બનેલા પ્રસંગોનું દૃશ્ય અને શ્રાવ્ય રેકોર્ડિંગ થતું રહે છે અને જીવનના કોઈ પણ સમયની કોઈ પણ ઘટના પતિ કે પત્ની પોતાની રીતે ચાલુ બંધ કરીને જોઈ શકે છે. આખરે આ કૃત્રિમ યાદદાસ્ત પતિ અને પત્નીને જીવનમાં શાંતિથી રહેવા દેતી નથી અને બંને તેમાંથી છુટકારો ઇચ્છે છે. આપણે હવે ૨૦૧૯માં વિચારીએ કે એ કથા ૨૦૧૧ની કાલ્પનિક વિજ્ઞાન કથા છે તો તે ખોટું પડે. માનવીના શરીરમાં આજે અનેક પ્રકારની ચિપ્સ ફિટ કરવામાં આવી રહી છે અને તે માટે કોઈ નાની કે મોટી શસ્ત્રક્રિયા કરવાની પણ જરૃર નથી. એક ઇન્જેક્શનની સોય વાટે પણ તે શરીરમાં દાખલ કરી શકાય છે. જોકે જે કામો માટે તે ડિઝાઇન કરવામાં આવે છે તે કામના પ્રકારો હજી પ્રાથમિક અને સરળ હોય છે. વિજ્ઞાનકથાઓની ચિપ્સ જેટલી શક્તિ અને કરામાતો તે વાસ્તવિક સ્વરૃપમાં ધરાવતી નથી, છતાં ઘણા કામો કરે છે અને હજી તો શરૃઆત છે. ભવિષ્યમાં તે ખૂબ કમાલ કરશે. દુનિયામાં બાયોચિપ્સનાં સંશોધનો અને અનુસંધાનો માટે ઘણી નવી કંપનીઓ શરૃ થઈ છે. અગાઉ અને હાલમાં શરીર પર ટેટૂ (છૂંદણાં) પાડી આપે છે અને બુટ્ટી બોરિયા અને રિંગો (નાક-કાનની વાળીઓ) ઘૂસાડી આપે છે તે પાર્લરોમાં હવે તમારી જરૃરિયાત અને કામ મુજબની બાયોચિપ્સ પણ બેસાડી આપવામાં આવે છે.

ગયા નવેમ્બરમાં બાયોટેક લિમિટેડ નામની ઇંગ્લેન્ડની એક બાયોચિપ કંપનીએ જાહેર કર્યું હતું કે કંપનીએ બ્રિટનમાં લગભગ ૧૫૦ જણના શરીરમાં બાયોચિપ બેસાડી છે ત્યારે બ્રિટિશ વેપારી સંગઠન સંસ્થા બીસીઆઈ દ્વારા તેનો વિરોધ થયો હતો. બ્રિટનની ટ્રેડ યુનિયન કોંગ્રેસ દ્વારા કામદારોને ચેતવણી અપાઈ હતી કે બાયોચિપ દ્વારા કંપનીના માલિકો કામદારો પર કાબૂ જમાવશે અને કામદારો પાસે પોતાનું ધાર્યું કરાવશે.

સ્ત્રીઓમાં આવી ચિપ્સ બીજાં પ્રકારનાં ઈમ્પ્લાન્ટ્સની માફક લોકપ્રિય બની રહી છે. કારણ કે ઘણી વખત, ખરીદી, બેન્કના વ્યવહારો જેવા પ્રસંગોમાં નાના બાળકની સાથે કાર્ડ પણ સંબાળવા પડે છે. એ બધાના પાસવર્ડ યાદ રાખવા પડે. બાયોચિપ એ બધી ઝંઝટો દૂર કરે. હવે તો વીમા કંપનીના પ્રિમિયમનાં કાર્ડ હોય, ગ્રોસરી શોપનાં કાર્ડ હોય, જિમની મેમ્બરશિપનાં કાર્ડ હોય, પાર્લરનાં કાર્ડ હોય. બાયોચિપ એ બધાને દૂર કરી નાખે છે. ઘણા લોકો ઘરના કે ઑફિસના દરવાજાની ફિઝિકલ ચાવીઓ વારંવાર ખોઈ બેસે છે અથવા ગમે તે જગ્યાએ મૂકી દે છે. જરૃર ટાણે મળતી નથી અને સમય તેમ જ મગજ ગુમાવી બેસે છે.

બાયોચિપ તેઓના માટે વરદાનરૃપ બની રહે છે. હાથ બતાવો કે એટીએમ પૈસા આપે, જિમનો કે ઘરનો દરવાજો ખૂલી જાય. આવી વ્યવસ્થા મોબાઇલ ફોનમાં પણ આવી છે, પણ મોબાઇલ ફોન ગુમ થઈ જાય કે ચોરાઈ જાય તો? સ્વીડનમાં જોવાન ઓસ્ટરલેન્ડે બસની ટિકિટ પણ બાયોચિપમાં ફીડ કરી છે. કંડક્ટર આવે એટલે હાથ મશીન સામે ધરે, સ્વીડનનું સંપૂર્ણ રેલવે તંત્ર હવે બાયોચિપ-કેપેબલ છે. તમામ જિમ પણ બાયોચિપ-કેપેબલ છે. લગભગ અનેક મહત્ત્વનાં સ્થળોએ નીઅર-ફીલ્ડ કોમ્યુનિકેશન (એનએફસી) રીડરો લાગેલાં છે જે બાયોચિપની વિગતો વાંચવાનું કામ કરી આપે છે.

 મોબાઇલ ફોન અને બાયોચિપની મદદ વડે હજારો કિલોમીટર દૂરનાં દરવાજા અને તાળાં ખોલી શકાય. અમુક કોમ્પ્યુટરો પણ ઓપરેટ કરી શકાય. કોઈ સૈનિક કે મહત્ત્વની વ્યક્તિના શરીરમાં એની જાણ વગર બાયોચિપ ગોઠવી દેવાઈ હોય તો જાસૂસીની સંભાવના રહે છે, પરંતુ હજી ટૅક્નોલોજી એટલી હદે ડેવલપ થઈ નથી. દુનિયાની નામી મોટરકાર કંપનીઓ અને એપલ, સેમસંગ જેવી ટેક કંપનીઓ પણ હવે તેમની મોટરગાડીઓના દરવાજા સ્માર્ટફોનના ઍપ્લિકેશનની મદદથી ખોલવા-બંધ કરવા કે એન્જિન ચાલુ કરવા માટે ડિજિટલ કી સિસ્ટમ શરૃ કરી રહી છે. જો તે ફોનના ઍપ્લિકેશનથી થઈ શકે તો તેને બાયોચિપમાં પણ ટ્રાન્સફર કરી શકાય. મતલબ કે બાયોચિપ વડે કારનું એન્જિન ચાલુ બંધ કરી શકાય અને દરવાજા ખોલી શકાય. હાલમાં બાયોચિપમાં માત્ર એક કિલોબાઇટની મેમરી છે, પણ અન્યત્ર બન્યું છે તેમ તેની ક્ષમતા પણ વધશે. એક ચોખાના દાણા જેવડી બાયોચિપ વડે હજારો કામ સાધી શકાતાં હોય અને હજારો ઝંઝટો દૂર થતી હોય તો સ્વાભાવિકપણે તેના માટે ભવિષ્ય ઘણુ ઉજળું છે.

બાયોચિપમાં સૂક્ષ્મ એન્ટેના હોય છે જે પોતાની હાજરીની માહિતી સંકેતો દ્વારા સતત મોકલતી રહે છે. ઘણાને લાગે છે કે આવી ચિપ્સ દ્વારા સરકાર અને બીજા લોકો આપણી હિલચાલો, હાજરી, ગેરહાજરીની સતત નોંધ લઈ શકે છે. આ ડરથી ઘણા તેનાથી દૂર રહે છે. ડર અમુક અંશે વાજબી પણ છે. એ કે ચીનની સરકાર સત્તાવારપણે એવી ઇલેક્ટ્રોનિક્સ વ્યવસ્થા ફરજિયાત બનાવી રહી છે જેમાં દરેક વ્યક્તિની દરેક પ્રવૃત્તિઓ પર સરકારની સતત નજર રહે.

ઘણા લોકો હજી પણ બાયોચિપનો વિરોધ કરે છે. તેઓની દલીલ છે કે જો ચિપને ગળામાં કે હાથમાં, વીંટીમાં આભૂષણની માફક ધારણ કરી શકાય તો પછી તેને શરીરમાં ઘૂસાડવાની શી જરૃર છે? છતાં અમેરિકામાં રિવર ફૉલનામક કંપનીએ ૬૭૩ જણના શરીરમાં બાયોચિપ બેસાડી છે જે અન્ય કામોની સાથે ઘરના દરવાજા ઉઘાડવા – વાસવાનું કામ કરે છે. ટોકિયો, જાપાનમાં યોજાનારી ઑલિમ્પિક્સના સત્તાવાળાઓ પણ બાયોચિપનો ઉપયોગ વ્યવસ્થા માટે કરવા ધારે છે. ઘણી પ્રસિદ્ધ કંપનીઓના બોસ હવે નવા મકાનોમાં કી હૉલ (ચાવી માટેનું કાણુ) બેસાડવાને બદલે ચીપ રીડર બેસાડી રહ્યા છે જેથી હાથ બતાવવાથી દરવાજો ખૂલે. જોવાન પાસે કોઈ બિઝનેસ કાર્ડ માગે તો એ પોતાનો હાથ આગળ ધરે છે અને એમનો લિન્કેડીન પ્રોફાઇલ સામેવાળાના ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જાય છે.

એ જોઈને તાજુબ થયેલા લોકો જોવાનને કહે છે કે તમે મજાક કરી રહ્યા છો અને જોવાનનો હાથ પકડી તપાસે છે, પણ બાયોચિપ ક્યાંય પકડાતી નથી તેથી વધુ નવાઈ પામે છે. વાસ્તવમાં તે હાથમાં છે જ!

હવે ફરી પાછા વિંગ કમાન્ડર અભિનંદનની વાત કરીએ તો પાકિસ્તાનમાં એવી કોઈ ક્ષમતા નથી કે આ ટૅક્નોલોજીનો ધારે તેવો ઉપયોગ રચી શકે. છતાં દુશ્મનને નબળો ના માનવો જોઈએ. કંઈક પ્રયોગ ખાતર પણ શરીરમાં ઘૂસાડી દે. બાયોચિપ શરીરમાં પકડવા માટે તેનું સ્કેનિંગ અવશ્ય કરાવ્યું હશે. ભારત પણ પાકિસ્તાનનું બાપ છે અને ટૅક્નોલોજીમાં તો ખાસ…..

: નમસ્કાર મિત્રો :
તમે આ લેખ “આપણું ભાવનગર”ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે, તમને આ લેખ ગમ્યો હશે, જો ગમ્યો હોય તો આ લેખને તમારા ફેસબુક કે વ્હૉટ્સપમાં વધુમાં વધુ શેર કરશો. બસ આવું જ કઈંક વાંચવા અને જીવન જરૂરિયાત તેમજ અન્ય વિશેષ મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “આપણું ભાવનગર” ફેસબુક પેજને લાઇક કરો, અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરો, આભાર. “ આપણું ભાવનગર” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો, ............................................................ ખાસનોંધ: આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે ............................................... Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of Apnu Bhavnagar. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.