જાણૉ ! કોરોનાના કહેરની વચ્ચે આશાનું કિરણ દેખાયું, ભારતીય મૂળના ડોક્ટરે દવાને લઈ કહી આ મોટી વાત..

626

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસના કહેરને રોકવા માટે વિશ્વભરના તમામ વૈજ્ઞાનિકો સખત મહેનત કરી રહ્યા છે. એક તરફ બ્રિટનમાં ટ્રાયલ ચાલી રહી છે. બીજી તરફ અમેરિકાથી રાહતના સમાચાર મળી રહ્યા છે. યુ.એસ.માં ઇબોલા વાઈરસથી પીડાતા દર્દીઓ માટે બનાવવામાં આવેલી રેમડેસિવીર દવા કોરોનાના ચેપને રોકવા માટે મદદગાર સાબિત થઈ છે. તેની સાથે જ હાઇડ્રોક્સિક્લોરોક્વિનનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. આશા છે કે આ દવાઓ ટૂંક સમયમાં કોરોનાના ચેપને નિયંત્રિત કરશે. આ બધાની વચ્ચે અમેરિકન સરકારે આ દવાઓને સારવાર માટે મંજૂરી આપી દીધી છે.

ગંભીર રીતે બીમાર લોકો સરેરાશ 11 દિવસમાં તંદુરસ્ત થઈ રહ્યા છેઃ એવા અહેવાલ છે કે જેમને રેમડેસિવીર દવા આપવામાં આવી હતી, તેમને સરેરાશ 11 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અગાઉ આરોગ્યની રાષ્ટ્રીય સંસ્થાનાં એન્થોની ફોસ્સીએ જણાવ્યુ હતું કે ગંભીર રીતે બીમાર કોરોનાવાઈરસના દર્દીઓની સારવાર કરવામાં આ દવા અસરકારક રહેશે.

આ દવાનો ઉપયોગ હજી સુધી સામાન્ય બીમાર દર્દીઓ ઉપર કરવામાં આવ્યો નથી. એફડીએએ પ્રથમ કોવિડ -19 દર્દીઓની સારવાર માટે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન દવાના ઉપયોગને મંજૂરી આપી હતી. અમેરિકાનાં શિકાગો શહેરમાં કોરોનાથી ગંભીર રીતે પીડાતા 125 લોકો પર રેમડેસિવીર દવાથી સારવાર આપવામાં આવી હતી, જેમાંથી 123 લોકો સંપૂર્ણપણે સાજા થયા હતા. તે પછી કોરોનાની સારવાર માટે તેને નવી શોધ તરીકે જોવામાં આવી છે. જે બાદ એફડીએ દ્વારા આ ડ્રગના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર ડોક્ટર એન્થોની ફોસ્સીએ થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે, ‘આંકડા દર્શાવે છે કે રેમડેસિવીર ડ્રગનો દર્દીઓના સાજા થવાના સમયમાં બહુ જ સ્પષ્ટ, અસરકારક અને હકારાત્મક અસર થઈ રહ્યો છે. ‘

તેમણે કહ્યું હતું કે રેમડેસિવીર દવાનો અમેરિકા, યુરોપ અને એશિયામાં 68 સ્થળોએ 1063 લોકો પર ડ્રગ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પ્રયોગ દરમિયાન જાણવા મળ્યું કે રેમડેસિવીર દવા આ વાઈરસને રોકી શકે છે.

અમેરિકાની ઘણી હોસ્પિટલો કોરોનાવાઈરસના દર્દીઓની સારવાર માટે મેલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા હાઇડ્રોક્સિક્લોરોક્વિનનો ઉપયોગ પણ કરી રહી છે. મેડિકલ જર્નલ ‘એમ્ડેઝ’માં શુક્રવારે (પહેલી મે) પ્રકાશિત થયેલા એક સમાચાર મુજબ, મેલેરિયાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન (HCQ) અને તોસીલિજુમેબ દવાથી યેલ ન્યૂ હેવન હેલ્થ સિસ્ટમના હોસ્પિટલોમાં કોરોનાવાઈરસના દર્દીઓની સારવાર કરાય છે.

ભારતીય અમેરિકન કાર્ડિયોલોજિસ્ટ નિહાર દેસાઈએ મેગેઝિનને કહ્યું,”આ એક સસ્તી દવા છે, તેનો ઉપયોગ દાયકાઓથી કરવામાં આવે છે અને લોકો તેનાથી આરામદાયક અનુભવે છે.”

દેસાઇએ કહ્યું, ‘અમે અમારા પુરતા પ્રયાસો કરી રહ્યા છીએ. આશા છે કે, આપણે ફરી ક્યારેય કોરોનાવાઈરસ વૈશ્વિક રોગચાળા જેવા રોગનો સામનો કરવો પડશે નહીં. દેસાઇની હોસ્પિટલમાં લગભગ અડધા દર્દીઓ કોવિડ -19નાં છે.

ઉલ્લેખનીય છે કે હાઇડ્રોક્સિક્લોરોક્વિનનો સૌથી મોટો ઉત્પાદક ભારત છે. અમેરિકાએ આ દવાની માગ કરી હતી. જે બાદ ભારતે આ દવાની ઘણા દેશોમાં નિકાસ કરી હતી. કોરોનાના વધતા ચેપને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે આવશ્યક દવાઓના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ ઘણા દેશોએ તેની માગણી કર્યા પછી તેને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

ઈબોલો ડ્રગનાં રૂપમાં કરાઈ હતી વિકસિતઃ Remdesivir દવાને ઇબોલોના ડ્રગ તરીકે વિકસાવવામાં આવી હતી પરંતુ એવું માનવામાં આવે છે કે તેનાથી અન્ય ઘણા પ્રકારનાં વાઈરસ મરી શકે છે. અમેરિકાના વોશિંગ્ટન રાજ્યમાં કોરોના સામેની જંગ જીતેલી એક મહિલાએ પોતાનો અંગત અનુભવ શેર કરતાં જણાવ્યું કે તેના પતિને ડ્રગ Remdesivirની મદદથી કોરોનાથી તેનો પતિ સાજો થઈ ગયો હતો.

ચીને પેટન્ટ કરાવવા માટે આપી હતી અરજીઃ કોરોનાનાં સંક્રમણની શરૂઆત ચીનનાં વુહાન શહેરથી થઈ. ચીને કોરોના ચેપ અંગેની ઘણી બધી કવાયતો કરી હતી. દરમિયાન ચીને ઈબોલા સામે લડવા માટે અમેરિકાએ બનાવેલી Remdesivirને 21 જાન્યુઆરીએ જ પેટન્ટ કરાવવા માટે અરજી આપી હતી. આ અરજી વુહાનનાં વાયરોલોજી લેબ અને મિલિટ્રી મેડિસિન ઈન્સ્ટિટ્યૂટે બનાવી હતી.

ભારતની છે તેની ઉપર નજરઃ કોરોના ચેપને રોકવા માટે દવાઓ બનાવવા માટે ભારત પણ ઘણા દેશો સાથે મળીને સતત પ્રયાસ કરી રહ્યુ છે. ભારત વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ની સાથે કોરોના ઉપચાર માટેની રસીની તૈયારી અને પ્રયોગ માટે પણ ભાગીદારી કરી રહ્યું છે. ભારતની Remdesivirના ટ્રાયલ પર પણ નજર છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓlફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડાયરેક્ટર, ડો. રમણ ગંગાખેડકરે કહ્યું છે કે આ ટ્રાયલનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તેનાથી સંબંધિત ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો આ દવા કોરોના રોગચાળાના ઉપચારમાં અસરકારક સાબિત થાય છે તો તે એક મોટી સિદ્ધિ હશે. ભારત પણ આ દવાનો ઉપયોગ કરી શકે છે.

વિશ્વમાં કોરોનાઃ વિશ્વમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 34 લાખ 1189 પર પહોંચી છે. જ્યારે અત્યાર સુધીમાં 2 લાખ 39 હજાર 604 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, રાહતની વાત છે કે, અત્યાર સુધીમાં 10 લાખ 81 હજાર 639 લોકો કોરોનાના સંક્રમણમાંથી સાજા થયા છે. સંક્રમણનાં કહેરને કારણે અમેરિકા ખરાબ હાલતમાં છે. અહીં છેલ્લા 24 કલાકમાં 1883 લોકોનાં મોત નીપજ્યાં છે.

અમેરિકામાં અત્યાર સુધીમાં 11 લાખ લોકો સંક્રમિતઃ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી મુજબ, અમેરિકામાં અત્યાર સુધીમાં 11 લાખ 31 હજાર લોકોને ચેપ લાગ્યો છે, જ્યારે અત્યાર સુધીમાં 65 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. અમેરિકા વિશ્વનો એકમાત્ર એવો દેશ છે, જ્યાં ત્રણ દેશોમાં 24 હજારથી વધુ લોકોનાં મોત બરાબર એટલાં મોત અહીં થયા છે.