ભારતમાં સામે આવી કોરોનાની ડરામણી તસવીર

669

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણની સંખ્યાને લઈને એક ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં દિલ્હી સરકારે જાણકારી આપી હતી કે, રાજધાનીમાં કોરોના વાયરસને મ્હાત આપીને સાજા થયેલા લોકોને શ્વાસ લેવાની સમસ્યા સહિતની અનેક પ્રકારની મુશ્કેલીઓ નજરે પડી રહી છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલેએ પણ સ્વીકાર કર્યો છે કે, 17 ઓગસ્ટ બાદ દિલ્હીમાં કેસ વધી રહ્યા છે. જોકે તેનો અર્થ એવો પણ નથી કે દિલ્હીમાં કોરોનાની ઈન્ટેન્સિટી પણ વધી રહી છે. કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીમાં આગામી સપ્તાહ 20 હજારને બદલે 40 હજાર ટેસ્ટ કરવામાં આવશે. જેથી વધુને વધુ લોકો સંક્રમણ અંગે વાકેફ થઈ શકે.

કેજરીવાલે બેઠક બાદ જણાવ્યું હતું કે, દિલ્હીમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલથી સાજા થઈને પરત જનારા લોકોને શ્વાસને લગતી સમસ્યા આવી રહી છે. દિલ્હી સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈન પણ હોસ્પિટલમાંથી પરત ફર્યા હતા ત્યારે તેમને પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકોના હોસ્પિટલથી પરત ફર્યા બાદ મૃત્યુ થયા હતા. આ સંજોગોમાં ઘરે સારવાર માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવશે, હોસ્પિટલથી સારા થઈને ઘરે પરત ફરનારા દર્દીઓને ઘરે જ ઓક્સિમીટર સાથે ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવશે.

મુખ્યમંત્રી કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે, દિલ્હીમાં 10 હજારથી વધારે બેડ ખાલી રાખવામાં આવી છે, એમ્બ્યુલન્સની પણ કોઈ અછત નથી. કોરોના સામે લડવાની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. જોકે કેસ વધી પણ રહ્યા છે. તેમણે લોકો સાથે કોરોનાને લગતી દરેક માર્ગદર્શિકાનું કડકાઈથી પાલન કરવા માટે અપીલ કરી હતી.

કેજરીવાલે લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા પર ભાર મુક્યો છે. જો કોરોનાના થોડા પણ લક્ષણ જણાય તેવા સંજોગોમાં તપાસ કરાવી લેવા પણ કહ્યું છે.