તારક મહેતા શો વિશે જેઠાલાલનું નિવેદન

499

તારક મહેતા શો વિશે જેઠાલાલનું નિવેદન

તારક મહેતા શો વિશે જેઠાલાલનું નિવેદન આખા ગામમાં ચર્ચામાં, કહ્યું-હવે શો લગભગ ફેક્ટરી થઈ ગયો છે

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ છેલ્લાં 12 વર્ષથી ટીવી પર આવી રહી છે. આ સિરિયલે હાલમાં જ 3000 એપિસોડ પૂરા કર્યા હતા. ત્યારે તેમાંથી ઘણા કલાકારો પણ બદલાયા છે. રોશન સિંહ સોઢી બનતા ગુરુચરણ સિંહે આ શો છોડી દીધો હતો.

હવે તેના સ્થાને ‘દિલ તો પાગલ હૈં’ ફૅમ એક્ટર બલવિંદર સિંહને સિરિયલમાં લેવામાં આવ્યો છે. અંજલિભાભીના પાત્રમાં નેહા મહેતા જોવા મળતી હતી. નેહા મહેતાએ પણ લૉકડાઉન બાદ ફરીવાર શૂટિંગ શરૂ થયું તો તેણે શોમાં કામ કરવાની ના પાડી દીધી હતી. નેહા મહેતાના સ્થાને ટીવી એક્ટ્રેસ સુનૈના ફોજદારને લેવામાં આવી છે.

જો કે, શરૂઆતથી જ આ સિરિયલ સાથે જોડાયેલા તથા જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોષીને લાગે છે કે સમયને કારણે સિરિયલના રાઈટિંગ પર અસર થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે કેટલાંક એપિસોડ રમૂજની દૃષ્ટિએ એટલા સારા બન્યા નહોતા. દિલીપ જોષીએ સ્ટેન્ડ અપ કોમેડિયન સૌરભ પંતના સ્પેશિયલ પોડકાસ્ટમાં વાત કરી હતી અને કહ્યું હતું કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના રાઈટર્સ ડેઈલી એપિસોડને કારણે દબાણ હેઠળ હોય છે. આ જ કારણે રાઈટિંગની ક્વોલિટી પર અસર પડે છે. તેનું કહેવું છે કે ‘જ્યારે તમે ક્વોન્ટિટી જુઓ છો તો ક્યાંકને ક્યાંક ક્વૉલિટી પર અસર થતી હોય છે.

આગળ વાત કરતાં જેઠાલાલે કહ્યું કે, પહેલા વીકલી અમે આ શો કરતા હતા અને રાઈટર્સ પાસે બહુ જ સમય રહેતો હતો. તેઓ ચાર એપિસોડ લખતા અને બીજા ચાર એપિસોડ આવતા મહિને શૂટ કરવાના રહેતા.

હવે તો ફેક્ટરી જેવું બની ગયું છે. રોજ રાઈટર્સે નવા નવા સબ્જેક્ટ શોધવા પડે છે. અંતે તેઓ પણ માણસ છે. હું એ વાત સાથે સમંત છું કે જ્યારે તમે આટલા લાંબા સમયથી ડેઈલી શો કરતા હો ત્યારે બધા એપિસોડ્સ તે સ્તરના ના બની શકે.