તારક મહેતાના ગોગી પર હુમલો

651

તારક મહેતાના ગોગી પર હુમલો

ટીવી જગતની જાણીતી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોગીનું કેરેક્ટર પ્લે કરનારા એક્ટર સમય શાહ પર કેટલાક યુવકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. એક્ટર પર આ હુમલો તેની જ બિલ્ડિંગની બહાર કરવામાં આવ્યો છે, જ્યાં કેટલાક ગુંડાઓએ મળીને તેના પર હુમલો કરી દીધો હતો. એટલું જ નહીં, સમય શાહને છેલ્લાં કેટલાક દિવસોથી જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ મળી રહી છે. સમય પર કેટલાક લોકોએ તેની જ બિલ્ડિંગની બહાર ટોળામાં આવીને હુમલો કરી દીધો અને તેની સાથે મારામારી કરવાનો પ્રયત્ન કર્યો હતો.

 

મીડિયા રિપોર્ટ અનુસાર, એક્ટરની માતાએ જણાવ્યું હતું કે, આ પહેલીવાર નથી જ્યારે સમય પર આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો છે. આ પહેલા પણ તેના પર હુમલો કરવામાં આવી ચુક્યો છે. સમયની મમ્મીનો દાવો છે કે, તેણે પોતે જોયું કે કેટલાક છોકરાઓ તેના દીકરાને નુકસાન પહોંચાડવાના ઈરાદા સાથે તેમના બિલ્ડિંગ પરિસરમાં ઘૂસી આવ્યા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેઓ આવુ શા માટે કરી રહ્યા છે અને તેઓ શું ઈચ્છે છે, તેના પર તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો, બદમાશોએ જવાબ આપવાને બદલે સમય સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા સમયની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

આ અંગે સમયની માતાએ કહ્યું હતું કે, જ્યારે અમે તેમની પાસે ગયા અને પૂછ્યું કે તેમને સમયથી સાથે શું પ્રોબ્લેમ છે તો તેના જવાબમાં તેમણે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવાનું ચાલુ રાખ્યું હતું. આ પહેલીવાર નથી, પરંતુ આ પ્રકારની ત્રીજી ઘટના છે, જ્યારે સમયની સાથે આ પ્રકારની ઘટના બની છે. આ ઘટનાથી સમય અને તેનો સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતિત છે. કથિરરીતે સમયના પરિવારજનોએ પોલીસમાં આ મામલાને લઈને ફરિયાદ નોંધાવી છે. ઘટના આશરે સાંજે 8.30 વાગ્યાની છે, જ્યારે સમય પોતાનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ ઘરે પહોંચ્યો હતો. ત્યારે જ તેના પર આ હુમલો કરવામાં આવ્યો હતો.

બોરીવલીના રહેણાંક વિસ્તારમાં 27 ઓક્ટોબરની રાત્રે સમય શાહ પર આ હુમલો કરવામાં આવ્યો હતો. સમય શાહે ઘટનાનો ઉલ્લેખ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં કર્યો છે. તેણે CCTV ફૂટેજ પણ શેર કર્યા છે. પોતાની પોસ્ટમાં સમયે લખ્યું- આ વ્યક્તિ બે દિવસ પહેલા મારી બિલ્ડિંગમાં આવ્યો. તેણે કારણ વિના મને ગાળો આપવાનું શરૂ કરી દીધુ. હું તે વ્યક્તિને જાણતો પણ નથી. કયા કારણોસર તે મને ગાળો આપી રહ્યો હતો, કયા કારણે તે મને ધમકીઓ આપી રહ્યો હતો? તેણે મને ધમકાવ્યો છે કે તેમને મારી નાંખશે. હું આ વાત એ તમામ લોકોને જણાવી રહ્યો છું, જેઓ મને પ્રેમ કરે છે અને મારા વિશે વિચારે છે, મારી ચિંતા કરે છે. થેંક્યૂ.