રાજીવ કપૂરનું 58 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન, ‘રામ તેરી ગંગા મેલી’ હતી એક યાદગાર ફિલ્મ

255

બોલીવુડમાં ફરી એકવાર શોકનું મોજુ ફરી વળ્યું છે. અભિનેતા રાજીવ કપૂરનું હાર્ટ એટેકથી નિધન થયું છે. રાજીવ કપૂર બોલિવૂડના ગ્રેટ શો મેન રાજ કપૂરનો પુત્ર હતો. રણધીર કપૂર અને ઋષિ કપૂર તેના મોટા ભાઈ હતા. શમ્મી કપૂર અને શશી કપૂર તેના કાકા હતા. નીતુ કપૂરે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રાજીવ કપૂરના અવસાન અંગે માહિતી આપી છે. રાજીવ કપૂરના અવસાનના સમાચારથી સમગ્ર બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

નીતુ કપૂરે ટ્વીટ કર્યું છે કે, રાજીવ કપૂર 58 વર્ષની વયે અવસાન પામ્યા રાજીવ કપૂરના નિધન બાદ આખું બોલિવૂડ શોકમાં ગરકાવ થઈ ગયું છે. સતત બોલિવૂડ હસ્તીઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અભિનેતા રાજીવ કપૂરે 1983 માં ફિલ્મ એક જાન હૈ હમ થી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ રામ તેરી ગંગા મૈલી તેમની સૌથી યાદગાર ફિલ્મ હતી, જેમાં તે મંદાકિની સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.

રાજીવ કપૂરનો જન્મ 25 ઓગસ્ટ, 1962 માં થયો હતો. રાજીવ કપૂરે આસમાન, લવર બોય,જબરદસ્ત  અને હમ તો ચલે પરદેસ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ એક અભિનેતા તરીકેની તેની કારકીર્દિ ટકી શકી નહીં અને ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ. રાજીવ કપૂરે નિર્દેશક તરીકે 1996 માં ફિલ્મ પ્રેમગ્રંથ બનાવી હતી, જ્યારે નિર્માતા તરીકે તેમણે 1999 માં ફિલ્મ આ અબ લૌટ ચેલે બનાવી હતી.