ટૂથપેસ્ટ કરતાં પહેલાં જાણો

290

ટૂથપેસ્ટ કરતાં પહેલાં જાણો

ટૂથપેસ્ટ કરતાં પહેલાં જાણો કેમ હોય છે વિવિધ રંગની પટ્ટી? ટ્યૂબ પર રહેલાં આ રંગનો અર્થ શો?

ટૂથપેસ્ટનો ઉપયોગ તો આપણે રોજ કરીએ છીએ પરંતુ આની સાથે જોડાયેલી કેટલીક માહિતી આપણને ખબર નથી. જો તમે ટૂથપેસ્ટની ટ્યૂબને ધ્યાનથી જોશો તો તેના પર અલગ અલગ રંગની લાઈન હોય છે, જેમ કે લાલ, લીલી, કાળી, વાદળી જેવી લાઈન હોય છે. આ લાઈન શા માટે હોય છે, તે તમને ભાગ્યે જ ખબર હશે.

સોશિયલ મીડિયામાં એવી ચર્ચા થતી હતી કે ટૂથપેસ્ટ પર બનેલી પટ્ટીનો અર્થ રંગ પ્રમાણે અલગ અલગ થાય છે. વાદળી રંગની પટ્ટીનો અર્થ થાય છે, ‘દવાયુક્ત ટૂથપેસ્ટ.’ લીલા રંગની પટ્ટીનો અર્થ થાય છે, ‘સંપૂર્ણ રીતે પ્રાકૃતિક.’ લાલ રંગનો અર્થ થાય છે કે ‘કુદરતી તથા કેમિકલ મિશ્રિત’ તો કાળાં રંગની પટ્ટીનો અર્થ થાય છે કે તે પૂરી રીતે કેમિકલમાંથી બનાવવામાં આવી છે. જોકે, સોશિયલ મીડિયામાં જે દાવા કરવામાં આવે છે તે તદ્દન પાયાવિહોણા તથા ખોટા છે.

એવી પણ અફવા ઊડી હતી કે કાળા રંગની લાઈન ધરાવતી ટૂથપેસ્ટમાં સૌથી વધુ કેમિકલ હોય છે અને તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તો લાલ રંગની પટ્ટી અંગે એવું કહેવામાં આવ્યું હતું કે તેમાં પણ કેમિકલ હોવાથી તેનો ઉપયોગ કરવો નહીં. જોકે, કાળાં રંગ કરતાં આ થોડી સારી છે. સોશિયલ મીડિયામાં માત્ર વાદળી તથા લીલા રંગની પટ્ટી ધરાવતી પેસ્ટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

સાઈન્ટિફિક અમેરિકન નામની વેબસાઈટ પ્રમાણે, વિશ્વમાં જે પણ છે, તે ટેક્નિકલી એક કેમિલક છે. ત્યાં સુધી કે તમામ કુદરતી વસ્તુઓમાં પણ એક પ્રકારનું કેમિકલ તો હોય જ છે. આવામાં કેમિકલ કે કેમિકલ વગરની પ્રોડક્ટનો તો સવાલ જ ઊઠતો નથી.

ટૂથપેસ્ટની ટ્યૂબ પર બનેલી અલગ-અલગ રંગની પટ્ટીઓ વ્યક્તિઓ માટે બેકાર છે અને નિરર્થક છે. વાસ્તવમાં આ રંગની ટ્યૂબ બનાવનારી મશીનમાં લાગેલા લાઈટ સેન્સરને સંકેત આપે છે કે ટ્યૂબ કઈ પ્રકારની અને કેવા આકારની બનાવવાની છે. આ માત્ર લાઈટ સેન્સર જ સમજી શકે છે. વ્યક્તિ માટે આ સમજની બહાર છે.