લ્યો બોલો ! લૉકડાઉન: ઘરમાં કંટાળેલા વ્યક્તિએ દીવાલમાં પાડ્યું બાકોરું, ખુલી ગયું આ ‘રહસ્ય’

568

લોકડાઉનમાં લોકો ઘરે સમય પસાર કરવા માટે વિવિધ પ્રયોગો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કેટલાંક લોકો નવું જમવાનું બનાવવાનું શીખી રહ્યા છે તો કેટલાંક લોકો સંગીત શીખી રહ્યા છે.

પણ, બ્રિટનમાં રહેતા એક વ્યક્તિએ લોકડાઉનમાં કંઈક નવા પ્રકારનો પ્રયોગ કરવાનું વિચાર્યું. આ વ્યક્તિ ઘરમાં બેઠા-બેઠા કંટાળી ગયો હતો એટલે તેણે ઘરની દીવાલમાં બાકોરું પાડવાનું શરૂ કર્યું.

આ વ્યક્તિનું નામ જેક બ્રાઉન છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ લોકડાઉનમાં ઘરે બેઠા-બેઠા કંટાળીને જ્યારે તે દીવાલ સામે જોઈ રહ્યો હતો ત્યારે તેને એવું લાગ્યું કે જાણે આ દીવાલ બીજી દીવાલો કરતા ખૂબ અલગ છે.

માટે તેણે ડ્રિલિંગ મશીન લઈને દીવાલમાં બાકોરું પાડ્યું અને ટોર્ચ મારીને અંદરની બાજુએ જોતા જ તે ચોંકી ગયો કારણકે ત્યાં તેને મોટી જગ્યા જોવા મળી રહી હતી.

જ્યારે આ વ્યક્તિએ ઘરની દીવાલમાં મોટું બાકોરું કરીને તેની અંદર ઘૂસીને જોયું તો ત્યાં એક વર્ષો જૂની સુરંગ મળી આવી. આ સુરંગ આશરે 120 વર્ષ જૂની હોવાનું જાણવા મળ્યું છે.

આ સુરંગની અંદરથી મળી આવેલા ન્યૂઝપેપરના કાગળિયા પરથી એવું જાણવા મળ્યું કે આ સુરંગ લગભગ 50 વર્ષથી બંધ છે.