રાજકોટના કિસાનપરા ચોકમાં ચોંકવનારો કિસ્સો સામે આવ્યો

371

રાજકોટના કિસાનપરા ચોકમાં ચોંકવનારો કિસ્સો સામે આવ્યો

પોતાની જાતને આશરે 10 વર્ષ સુધી એક ઓરડીમાં પુરી રાખ્યા..

કિસાનપરા ચોક શેરી નં.8માં સાથી સેવા ગ્રુપ દ્વારા આશરે 10 વર્ષથી એક જ ઓરડીમાં છૂપાયેલા બે ભાઈ અને એક બહેનને બહાર કઢાયા છે. LLB બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરી ચૂકેલા બે ભાઈ અને એક બહેનની માનસિક સ્થિતિ ખરાબ થઈ હતી. આથી પોતાની જાતને આશરે 10 વર્ષ સુધી એક ઓરડીમાં પુરી રાખ્યા હતા.

માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે ત્રણેય ભાઈ-બહેને આ કૃત્ય કર્યુ હતું. આજે સાથી સેવા ગ્રુપ દ્વારા ઓરડીનો દરવાજો તોડી ત્રણેયને બહાર કાઢ્યા હતા.પિતાએ ઘણી આજીજી કરી દરવાજો ખોલવા પણ ખોલ્યો નહીં.

ત્રણેય ભાઈ-બહેનને છોડાવવા માટે સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમ દોડી ગઈ હતી. પિતાએ ત્રણેયને દરવાજો ખોલવા માટે આજીજી કરી પણ ખોલ્યો નહી. મકાનની ડેલી સાથી સેવા ગ્રુપના એક સભ્યએ દીવાલ ટપી ખોલી હતી.

જ્યારે અંદર રૂમનો દરવાજો બંધ હોવાથી પિતાએ દરવાજો ખોલવા ઘણી આજીજી કરી હતી. પરંતુ દરવાજો ન ખોલતા આખરે સાથી સેવા ગ્રુપની ટીમે દરવાજો તોડવો પડ્યો હતો. અંદર ત્રણેય ભાઈ-બહેન અઘોરી જેવુ જીવન જીવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા.

બંને ભાઈની દાઢી અને વાળ વધી ગયેલા જોવા મળ્યા હતા.અમે દરવાજો તોડીને અંદર ગયા હતાઃ જલ્પાબેન પટેલ
સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, અમને એક ફોન આવ્યો હતો કે આવી રીતે ત્રણ ભાઈ-બહેન રહે છે. જમવાનું તેમના પિતા પહોંચાડતા હતા. દરવાજા પાસે થાળી રાખે એટલે લઈ લેતા હતા.

ત્રણેય ભાઈ-બહેન આશરે 10 વર્ષથી અંદર રહેતા હતા. અમે દરવાજો તોડીને અંદર ગયા હતા. તેમના પિતાને કહ્યું છે કે અમને સોંપી દ્યો અમે એક મહિનાની અંદર સારૂ કરી દેશું.

તેમના પિતા નિવૃત્ત સરકારી કર્મચારી છે અને 35 હજાર જેટલું પેન્શન આવે છે. ત્રણેયની ઉંમર 30થી 42 વર્ષ જેટલી છે. તેમના પિતા પરિવાર સાથે વાત કરીને નિર્ણય લેશે.પિતા એ વધુમાં જણાવ્યું હતું કે વર્ષો સુધી દવા અને દુવા બંને કરી છે..